જિપ્સીની ડાયરી – નવેસરથી

એપ્રિલ 1, 2021

પ્રસ્તાવના

૨૦૦૮ની સાલમાં શરૂ થયેલ જિપ્સીનો પ્રવાસ અચાનક થંભી ગયો હતો. સિગરામના અશ્વ થાકી ગયા હતા. છેલ્લો પડાવ નાખવાનો સમય આવી ગયો હતો. યોગ્ય સ્થાનની તલાશ હતી અને સ્થાન મળી પણ ગયું. મારા અશ્વ ‘મેઘ’ અને ‘સુગ્રીવ’ને હવે આરામ આપ્યો છે. નજીકમાં ચરી રહ્યા છે. અહીં છે જિપ્સીનો સિગરામ, અંતરમાં રહી છે જુની યાદો અને એક હાકના અંતર પર રહે છે તેના પ્રિયજનો અને મિત્રો. તેમાંના એક મિત્ર – શ્રી. પ્રવીણકાંત શાસ્ત્રીએ આગ્રહ કર્યો. ‘ડાયરી’ને ફરી સજીવન કરો. તમારી વાતો ભલે જુની રહી, પણ તેનો સંદર્ભ, તેની છાયા આજના યુગના પરિપેક્ષમાં એટલી જ અસરકારક છે, તે સમયે જે ઘટનાઓ થઈ તેનું ઊંડાણ અને દૂરગામી પરિણામોનું વિવરણ તે સમયે કરી શકાયું નહોતું. સમાજમાં તે સમયે “શા માટે થયું” તેના કરતાં  “શું થયું” જાણવાની ઈચ્છા વધુ હતી. હવે નવા વાચક જુના પ્રસંગોને ઊંડાણથી જાણવા માગે છે, કેમ કે તેમની અસર, તેની ઝાળ હજી પણ વર્તાય છે – કેટલીક તો વધુ ઉગ્રતાથી. જે વાતો સૌએ કેવળ સાંભળી હતી, તેની પાછળનો ઇતિહાસ, તથ્ય અને સંદર્ભ – બધું જાણવું છે. 
“જિપ્સીની ડાયરી’ પુસ્તકરૂપે ૯ વર્ષ પહેલાં એટલે સન ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. શાસ્ત્રીજીની વાત એક રીતે વ્યાજબી હતી : એટલા માટે કે ‘ડાયરી’ને નુતન પરિપેક્ષમાં રજુ કરવી જોઈએ. તેમાંથી જન્મી એક કલ્પના : ‘જિપ્સીની ડાયરી’ની નવી, સુધારેલી આવૃત્તિની.
 આજે પહેલી એપ્રિલ. પશ્ચિમમાં તેને All Fool’s Day તરીકે પણ ઓળખાય છે. જિપ્સી માટે એપ્રિલ એક અંગ્રેજ કવિની યાદદાસ્ત  અને ઝંખનાને પ્રદર્શિત કરનારો મહિનો છે. કવિનું નામ છે રૉબર્ટ બ્રાઉનિંગ. એપ્રિલનો મહિનો હતો. કવિ વતનથી દૂર પરદેશમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યાં અચાનક તેમણે એક પક્ષી જોયું : રૉબિન ધ રેડબ્રેસ્ટ. કવિને યાદ આવી તેની માતૃભૂમિ અને કાવ્ય જન્મ્યું, “Home Thoughts from Abroad” અને તેની કલમમાંથી  પંક્તિઓ સરી પડી :”Oh to be in England/Now that the summer is here!”
એપ્રિલમાં વાસંતી વાયરા ઓસરાતા જાય છે. ગ્રીષ્મની આગાહી થવા લાગી છે. થોડા જ દિવસોમાં કોયલનું ‘કેલી કૂજન’ સાંભળવા મળશે. સિગરામના પગથિયા પર બેસી જિપ્સી આપને જુની વાત નવા સંદર્ભ સાથે કહેવા બેઠો છે. ખાસ તો નવા વાચકો માટે, જેમને જુની ‘ડાયરી’ વિશે જાણ નહોતી. જુના મિત્રો આ પાનાંઓમાં લટાર મારવા આવશે અને ગમતી વાતોનો ગુલાલ કરી વહેંચશે તો આનંદમાં અનેકગણો વધારો થશે.તો પધારો જિપ્સીના સિગરામમાં. એક એક અડાળી ચા થઈ જાય!


***

નિવેદન

“જિપ્સીની ડાયરી” લખવાની શરૂઆત બ્લૉગસ્વરુપે સન ૨૦૦૮થી રજુ થઈ. રજુઆતકર્તાના સૈનિક જીવનમાં જે જે બનતું ગયું, જેવા જેવા અનુભવો આવતા ગયા, તેની સ્મૃતિની છીપમાં કંડારાતા ગયા હતા. જ્યારે બ્લૉગ લખવાની શરૂઆત કરી, ત્યારે અનુભવોની ઘટમાળ તથા અવિસ્મરણીય પ્રસંગો તેની નજર સામે  એક ચિત્રપટની જેમ દોડવા લાગ્યાં. આ બધું તેણે સાક્ષીભાવે જોયું. જે દેખાયું, તે સઘળું www.captnarendra.blogspot.comના પાનાંઓમાં ઉતરતું ગયું.

આમ જોવા જઈએ તો કથાલેખનના આ પ્રકારને રોજનીશી કહેવી કે પ્રવાસ વર્ણન, તે નક્કી ન કરી શક્યો. એક રીતે આ જીવન યાત્રા લેખક માટે એક વિરાટ “આભાર દર્શન” છે . આ યાત્રા દરમિયાન જિપ્સીના રસ્તામાં અનેક પડાવ આવ્યા. કોઈ ઝરણાંને કિનારે થાક ખાવા રોકાતો ત્યારે, કે પથ પર ચાલતી વખતે રસ્તામાં અનેક મહાનુભાવોનો સથવારો મળ્યો. વાતવાતમાં, નાની મોટી કૃતિમાં તેમણે અજાણતાં જે વાતો કહી, જે જે સહાયતા કરી તે કેટલી સમયોચિત અને મહાન હતી તેનો તે સમયે ખ્યાલ ન આવ્યો. તેમની અમિદૃષ્ટીનો છંટકાવ આ માનવીના આત્મા પર તેમણે ક્યારે કર્યો તેની તેને તે સમયે જાણ ન થઈ. આ જીવનમાંથી તેમની વિદાય થયા બાદ જ્યારે જ્યારે તેમને યાદ કર્યા, મનમાં એક અજબ પ્રકારની શાતા, એક ધન્યતા અનુભવી. આ તેમની કૃપાની પ્રસાદી હતી. સાથે હતાં માતા પિતા તથા પૂર્વજોએ કરેલા સંસ્કારોનું સિંચન, શિક્ષકોએ કરેલ નવદિશાઓમાં પ્રસ્થાન કરવાનું માર્ગદર્શન, નિ:સ્વાર્થ મિત્રો, સાથીઓ, સહ-પ્રવાસીઓએ કરાવેલા માનવતાનાં દર્શન. પથ પર ચાલતાં તેને થયેલ નિસર્ગની વિશાળતા અને તેના અપરિમિત સૌંદર્યની અનુભૂતિ, કેટલીયે વાર કાર્ય-કારણની સમજની પરે થયલા અનુભવો – આ સમગ્ર સૃષ્ટીની, આ મહાત્માઓની આભારવંદના અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જે પ્રયત્ન થયો, તેની પરિણતી થઈ ‘જિપ્સીની ડાયરી’માં.

‘બ્લૉગ’ની શરૂઆતથી જ તેને અમૂલ્ય મિત્રો મળ્યા. અમદાવાદના ‘ટાઈમ્સ ઑફ ઇંડીઆ’ અને ‘ઈકોનૉમિક ટાઈમ્સ’ના તંત્રી સ્વ. તુષારભાઈ ભટ્ટ, ગુજરાતીના સિદ્ધહસ્ત અને સુપ્રસિદ્ધ લેખકો – રજનીકુમાર પંડ્યા, અને સ્વ. હરનીશભાઈ જાની, અમેરિકાના પ્રખ્યાત બ્લૉગર સુરેશભાઈ જાની, ચિરાગ પટેલ, ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી, તથા સમીક્ષક વિદુષી પ્રજ્ઞાબહેન વ્યાસનો સાથ મળ્યો. તેમણે આપેલા પ્રોત્સાહન અને પ્રતિભાવના કારણે ‘ડાયરી’ એક ખાસ વાચકવર્ગમાં થોડી ઘણી લોકપ્રિય થઈ. મારા કૉલેજકાળના મિત્ર અને હાલ મુંબઈના પ્રખ્યાત કૉર્પોરેટ વકીલ શ્રી. ગિરીશભાઈ દવેએ બ્લૉગ લેખન દરમિયાન જ તેને પુસ્તાકરૂપે પ્રકાશિત કરવા આગ્રહ કર્યો. ભાવનગરની શામળદાસ કૉલેજના પ્રાચાર્ય ડૉ. ગંભીરસિંહજી ગોહિલે હસ્તલિખિતનું સંપાદન કર્યું.  બોપલના પુસ્તક-શિલ્પી શ્રી.અપૂર્વભાઈ આશરે તેને એક પ્રતિમાની જેમ ઘડી પુસ્તક બનાવ્યું અને અમદાવાદના ગુર્જર સાહિત્ય મંદિરે તેને પ્રકાશિત કર્યું. ગુજરાત સાહિત્ય અકાદમીને પણ ૨૦૧૨ના વર્ષ માટે વાચનયોગ્ય લાગ્યું. ગુજરાતના સાહિત્ય રસિકોએ ‘જિપ્સીની ડાયરી’ને સ્વીકારી તેનું કારણ એ નહોતું કે ‘કૅપ્ટન નરેન્દ્ર’ નામની વ્યક્તિનું ગુજરાતમાં ‘લેખક’ તરીકે કોઈ અસ્તીત્વ હતું. કદાચિત્ અનુવાદક તરીકે…હા ! એક અદ્ભૂત પુસ્તકના ભાષાંતરને કારણે કદાચ તેનું નામ કોઈએ જોયું હોય અને તેમને યાદ રહી ગયું હોય તે શક્ય છે. આનો પણ એક નાનકડો ઈતિહાસ છે. 

વર્ષો અગાઉ લંડનમાં સ્થાયી થયેલા નિવૃત્ત ગુજરાતી સૈનિકને મરાઠીમાં લખેલ પાકા પૂંઠાની નોટબુક મળી. શિર્ષક હતું, “माझी जीवनकथा”. લેખિકા હતાં વિમલાબાઈ. ‘ચોથી ચોપડી’ સુધી ભણેલાં આ મહિલાની સરળ અને સાદી ભાષામાં લખાયેલી આત્મકથા આ સૈનિકના હૃદયને હચમચાવી ગઈ. એવી ઉત્કટ, ભાવનાત્મક અવસ્થામાં ક્યારે ભાષાંતર કરવાની ઈચ્છા થઈ અને ક્યારે તેના કી-બોર્ડની ચાવીઓ જાણે સ્વયંચાલિત થઈને ચાલવા લાગી, તેને ખબર ન રહી. કેટલાક દિવસોમાં એક પુસ્તકના હસ્તલિખિત તરીકે આ પ્રયત્નને મૂર્ત સ્વરુપ મળ્યું. બોપલના સ્વાતિ પ્રકાશનના શ્રી શિવજીભાઈ આશર – જેમણે તેમના કલકત્તા-નિવાસ દરમિયાન ચંદ્રકાંત બક્ષી અને શિવકુમાર જોશી નામના ‘નવા’ લેખકોને’ પ્રથમ ‘બ્રેક’ આપ્યો હતો તેમણે આ મુસદ્દો સ્વીકાર્યો અને વર્ષાબહેન અડાલજાને વાંચવા આપ્યો. બહેને ‘હિંચકે બેઠાં…’ના શિર્ષક હેઠળ પ્રસ્તાવના લખી અને પુસ્તક “બાઈ” ગુજરાતી સાહિત્યના ક્ષિતિજ પર અવતર્યું. સ્વ. ભોળાભાઈ પટેલ, સ્વ. વિનોદ ભટ્ટ, સંજય શ્રીપાદ ભાવે જેવા સમીક્ષકોએ તેને વધાવી લીધું. મુંબઈના ‘જન્મભૂમિ-પ્રવાસી’એ “આ વર્ષના દસ શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો જે સૌએ ખરીદવા જોઈએ”ના લિસ્ટમાં આ પુસ્તકને સ્થાન આપ્યું. પહેલા પૂંઠાથી છેલ્લા પૂંઠા સુધી વાંચી જનાર રસિકોએ એક ખૂણામાં લખાયેલ સંપાદક-અનુવાદકના શિર્ષક નીચે “કૅપ્ટન નરેન્દ્ર” કદાચ જોયું હશે અને તેમને યાદ રહ્યું હશે એ શક્ય છે. તેથી જ કે કેમ, ‘ડાયરી’ પર તેમનું ધ્યાન ગયું.

શરૂઆતમાં આ ‘ડાયરી’ની દખલ બહુ ઓછા લોકોએ લીધી, પણ તેમાંના કેટલાક પ્રસંગો ટૅક્સસના સુરેશભાઈ જાનીએ રિ-બ્લૉગ કર્યા. બે દિવસમાં જ ૧૦૦૦થી વધુ વાચકોએ તેમના બ્લૉગમાં વાંચ્યા! સત્ય પર આધારિત યુદ્ધકથાઓની સ્પર્ધામાં જામનગરનાં લોકપ્રિય લેખિકા વૈશાલીબહેન રાડિયાએ ‘ડાયરી’ના આધારે “રાવિ જ્યારે રક્તરંજિત થઈ’ નામે વાર્તા લખી અને તેને પ્રથમ પારિતોષિક મળ્યું. સુરતના ‘ગુજરાત મિત્ર’ના કટાર લેખક ડૉ. શશિકાંત શાહે આ જ નામે તેનું સંક્ષિપ્તીકરણ કર્યું. દેશના હિરાના પ્રમુખ નિકાસકાર શ્રી. સવજીભાઈ ધોળકિયાએ તેની ૧૦,૦૦૦ નકલ છપાવી વિનામૂલ્યે વહેંચી! 

અહીં એક વાત કહીશ કે ‘જિપ્સી’એ તેના જીવનમાં કોઈ ડાયરી, નોંધપોથી કે રોજનીશી નહોતી રાખી. જીવનમાં જે જોયું, અનુભવ્યું અને યાદ રહ્યું તે તેણે લખ્યું. તેમાં નથી કોઈ અતિશયોક્તિ, નથી મિથ્યા વચન કે નથી તેમાં કલ્પનાના ઘોડા પર બેસી દોડાવેલી તરંગકથા. અહીં વર્ણવેલા કાર્ય-કારણની સમજને પેલે પાર જેવા લાગતા પ્રસંગો તે વખતે સત્ય હતા અને આજે પણ એટલા જ સત્ય, સાક્ષાત અને સતત છે. જિપ્સીના જીવનનો તે મહત્વનો અંશ છે. આપ સૌના જીવનમાં પણ આવા કેટલાક પ્રસંગો આવ્યા હશે જેનું કારણ કે પરિણામ ક્યારે’ય સમજાયું ન હોય.

સંધ્યા સમયે આપણા સંસ્કારોમાં અંજલી અને અર્ઘ્ય આાપવાનો રિવાજ છે. ‘જિપ્સી’ અહીં અંજલી અર્પે છે તેનાં માતા પિતા અને પૂર્વજોને જેણે યુગોથી સંચય કરેલા સંસ્કારોનું તેનામાં સિંચન કર્યું; ગુરુજનોને, જેમણે તેના વિચારની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો, નવી દિશાઓ આપી; ભાઈઓ, જેમણે તેને સ્વતંત્ર રીતે રાજકીય અને સામાજિક વિચારધારા સજાવવાનો અને અનુસરવાનો અભિગમ શીખવ્યો. અને અંતે, આપને, મારા મિત્રોને નિ:સ્વાર્થભાવે સાથ આપવા માટે ભારતીય સેનામાં સૈનિકો તેમના અફસરોનું જે રીતે અભિવાદન કરે છે તે રીતે, “સલામ, રામ રામ, જય હિંદ” કહી અહીં પધારવા માટે આપનો આભાર માનું છું.  

4 Responses to “જિપ્સીની ડાયરી – નવેસરથી”

  1. બંસીલાલ ધૃવ said

    શ્રી નરેન્દ્ર ભાઈ, આપની જીપ્સી ની ડાયરી, નો પરિચય માનનીય સ્વ.શ્રી શશીકાંત શાહ ના પ્રકાશન દ્વારા થયેલો. ફરીથી એ વાંચવા નો, નવસરથી આપો છો તે ચોક્કસ સૌને ગમશે. આભાર.

  2. નરેન્દ્રભાઈ,
    પ્રવિણકાંતભાઈની વાત માની નવેસરથી “જિપ્સીની ડાયરીને જન્મા આપો છો એ જાણી અત્યંત આનંદ થયો. તમારી નમ્રતા છે કે તમે આટલું મોટું કાર્ય કર્યા પછી પણ એનુ શ્રેય ખુદને નથી આપતા. “माझी आत्मकथा” મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ “બાઈ” મારે વાંચવાનો બાકી છે, પણ જિપ્સીની ડાયરી અને પરિક્રમા બન્ને આપે લખેલ પુસ્તક મેં વાંચ્યા છે જે ચોક્કસપણે તમને એક ઉમદા લેખક તરીકે સહજ જ સ્વીકૃત કરે છે. નવી ડાયરીના પાના વાંચવાની ઉત્કંઠાપુર્વક રાહ જોઈશ.

  3. બહુ જ સરસ. નવા વિચારો જાણવા મળશે.

  4. mhthaker said

    very happy to receive your new gypsy nee diary-salute

Leave a reply to શૈલા મુન્શા જવાબ રદ કરો